Tuesday, 27 September 2016

વન ખાતાની યોજનાઓ વિગતવાર

યોજના વિગતવાર

સ્ટ્રીપ પ્લાન્ટેશન

વર્ષ 1970ની શરૂઆતમાં રસ્તાઓ, રેલવેલાઇનો, કેનાલોની આસપાસની વણવપરાયેલી જમીનોમાં જગ્યાની ઉપલબ્ધતાના આધારે વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1.03 લાખ હેકટર જમીનવિસ્તારને હરિયાળો બનાવી દેવામાં આવ્યો છે. આ વાવેતરથી સ્થાનિક લોકોને ઘાસચારોનો પણ લાભ મળતો થયો, જે તેઓ નિઃશૂલ્ક મેળવે છે. વધુમાં વાવેતરને લીધે જે તે વિસ્તારનું મૂલ્ય પણ વધી ગયું. ઉપરાંત વૃક્ષો ગરમ પવનોથી નજીકના ખેતરોને બચાવી લે છે અને સ્થાનિક લોકોને પૂરક વનપેદાશો પણ પુરી પાડે છે. જ્યારે વૃક્ષો પૂર્ણ વિકસીત થઇ જાય ત્યારે તેની હરાજી કરવામાં આવે છે અને તેમાંથી પ્રાપ્ત થયેલાં ચોખ્ખા નફા (વાવેતરનો ખર્ચ બાદ કરતાં)ના 50% નાણારાશી તાલુકા પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે જેનો ઉપયોગ જે તે તાલુકાના વિકાસ કાર્યો માટે કરવામાં આવે છે.

ગ્રામ વન

રાજ્યમાં 18066 ગામડાઓ અને 13000થી વધુ પંચાયતો છે. સામાન્ય રીતે પંચાયતની આવક ઘણી જ ઓછી હોય છે તો બીજી તરફ તેની પાસે અઢળક ગૌચર જમીન હોય છે, જેમાં ગુણવત્તાયુકત ઘાસચારો ઘણો જ ઓછો હોય છે. આ જમીનનું પણ વ્યાપક ધોવાણ થઇ શકે તેવી શક્યતા હોય છે. આવી જમીનના વિકાસ અર્થે વર્ષ 1974માં ગ્રામવન યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજના અંતર્ગત પંચાયતના ઠરાવ થકી 4 હેકટર ગૌચર જમીન ગ્રામવનના નિર્માણ અર્થે વિભાગને આપવામાં આવતી. ગ્રામવનના સર્જનના અનેકવિધ લાભ છે જેમ કે પંચાયત માટે આવકનો સ્ત્રોત, સ્થાનિક લોકો માટે ઘરઆંગણે લાકડારૂપી પુરવઠાનો સ્ત્રોત, દબાણોથી બચાવ, જમીન અને ભેજનું સંરક્ષણ વિગેરે. વળી જ્યારે વૃક્ષો પૂર્ણ વિકસીત થઇ જાય ત્યારે તેની હરાજી કરવામાં આવે અને ખર્ચ બાદ કર્યા પછી 75% ચોખ્ખી આવક ગ્રામ પંચાયતને વિકાસ કાર્યો માટે આપવામાં આવે છે. બાકીના 25% નાણારાશી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને સરપંચના સંયુક્ત ખાતામાં જમા કરવામાં આવે છે, જેનો ઉપયોગ ગામમાં વૃક્ષોના પુનઃ વાવેતર માટે કરવામાં આવે છે.

રિહેબીલેશન ઓફ ડિગ્રેડેડ ફાર્મ લેન્ડ (RDFL)

આ યોજના અંતર્ગત ખેતીની ખાનગી જમીન, ખાસ કરીને મધ્યમથી ઓછી ઉત્પાદકતા ધરાવતી હોય એવી જમીન બ્લોક કે ધાર ઉપર વૃક્ષારોપણ કરવા માટે પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે લાભાર્થીદીઠ એક હેકટર જમીન પસંદ કરવામાં આવે છે. આ જમીન નાના કે અતિનાના ખેડૂતો અથવા તો અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં આવતા લાભાર્થીઓની હોય છે. વિભાગ જ ખાડા ખોદવાથી માંડીને વાવેતર ઉપરાંત તેનો ઉછેર પોતાના ખર્ચે કરે છે. જો લાભાર્થીની ઈચ્છા હોય તો તે જાતે જ ખાડા ખોદી શકે છે. જોકે, વાવેતર બાદની જવાબદારી જે તે લાભાર્થીની રહે છે. પ્રારંભના ત્રણ વર્ષ દરમિયાન પ્રત્યેક વર્ષ પુરું થતાં હયાત હોય તો વતળર ચૂકવી આપવામાં આવે છે. દરમિયાન વૃક્ષોની માલિકી લાભાર્થીની રહે છે. આ યોજનાના પરિણામે જમીનો વધુ સારી રીતે કાર્યક્ષમ ઉપયોગ તો થાય છે, તદ્દઉપરાંત ખેડૂતોને પણ આ યોજના આર્થિક દ્રષ્ટીએ લાભદાયી બની છે.

પર્યાવરણીય વાવેતર

આ મોડેલમાં શાળાઓ, કોલેજો, સરકારી સંકુલો, જાહેર સંસ્થાનો, પ્રવાસન સ્થળો અને ધાર્મીક રીતે મહત્વના સ્થળો વિગેરે ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. જે તે સ્થળનું નૈસર્ગિક સૌંદર્ય વધારવા ઉપરાંત આ વાવેતરથી આસપાસનું સૂક્ષ્મ હવામાન પણ આહલાદ્ક-દિવ્ય બની જાય છે.

ડ્રીપ ઈરિગેશન (ટપક સિંચાઇ)

આ મોડેલ અંતર્ગત પર્વતાળ પડતર જમીનના ઢોળાવ ઉપર વૃક્ષોનું વાવેતર ટપક સિંચાઇ પદ્ધતિની મદદથી કરી તેને હરિયાળો વિસ્તાર બનાવવા માટે કરવામાં આવે છે.

તળાવો/સરોવરો/નદીકિનારાની આસાપાસ વૃક્ષારોપણ

આ યોજનાનો અમલ વર્ષ 2012-13થી કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં નર્મદા, અંબિકા, તાપી, મહી, વાત્રક, સાબરમતી, બનાસ જેવી અનેક નદીઓ આવેલી છે. જો નદીઓના કિનારે ઉપલબ્ધ જમીનો ઉપર વૃક્ષારોપણ કરવામાં આવે તો તેને લીધે ફક્ત હરિયાળી કે વૃક્ષો જ નહીં વધે પરંતુ તે નાના કદના પ્રાણી-પંખીઓ માટે આશ્રયસ્થાન બની રહેશે. વર્તમાન સમયમાં પ્રાણીઓ અને સરિસૃપો પોતાનો બચાવ કરવામાં ઘણા નબળા સાબીત થયાં છે. આવા પ્રકારનું વૃક્ષારોપણ ગામડાના લોકોને કુદરતી સૌંદર્યથી ભરપૂર પર્યાવરણ પુરુ પાડવામાં તેમજ લુપ્ત થવાને આરે આવેલી પ્રજાતિઓને રક્ષણ તથા અન્ય પ્રજાતિઓને જેવી કે વિવિધ પ્રકારના ફૂલો, છોડ-વનસ્પતિઓ, તેની ઉપર રહેતા સજીવો વિગેરેને પણ અત્યંત મદદરૂપ થાય છે.

વિકેન્દ્રીત શાળા/કિસાન નર્સરી (રોપ ઉછેર કેન્દ્ર)

આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતો, બીપીએલ કાર્ડ ધારક પરિવારો, જમીન ન ધરાવતા શ્રમીકો અને શાળાઓ દ્વારા નર્સરી (રોપ ઉછેર કેન્દ્ર)ઓમાં છોડ ઉછેરવામાં આવે છે. રસ ધરાવતા હીતધારકોએ સ્થાનિક સમાચારપત્રોમાં જાહેરાત સંદર્ભે અરજી રજૂ કરવાની હોય છે. જ્યારે હીતધારકને નર્સરી ફાળવવામાં આવે ત્યારે વન વિભાગ દ્વારા સરકારના નિયમોને આધિન વિવિધ હપ્તાઓમાં આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના વિભાગની વનમહોત્સવ યોજનાનો એક ભાગ છે.

વન મહોત્સવ

રાજ્યમાં ઓછો વન વિસ્તાર છે ત્યારે નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988 અંતર્ગત નિર્ધારીત લક્ષ્યાંકો હાંસલ કરવા માટે જંગલની બહાર વૃક્ષોની ગીચતા વધારવી અત્યંત જરૂરી બની ગયું છે. જેની સમયોચિત આગાહી સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ કૃષિ અને વન પ્રધાન સ્વ. શ્રી કનૈયાલાલ મુન્શી દ્વારા કરાઇ હતી. તેઓએ જ વૃક્ષારોપણને એક ઝુંબેશ સ્વરૂપે ઉજવવાનો ખ્યાલ રજૂ કર્યો અને આ લોકોત્સવને "વનમહોત્સવ” એવું નામાભિધાન કર્યું હતું. 1950માં જ્યારે સર્વપ્રથમ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારથી સમગ્ર દેશમાં ચોમાસા દરમિયાન ઉજવાતા સૌથી લોકપ્રિય મહોત્સવ બન્યો છે.
પ્રારંભમાં રોપાઓ વિભાગ દ્વારા લાભાર્થીઓને નિઃશૂલ્ક પુરાં પાડવામાં આવતા હતાં. લોકોની રોપાઓની માગને પહોંચી વળવા માટે, સ્થાનિક માગને ધ્યાનમાં રાખીને ઘણી નવી નર્સરીઓ (રોપા ઉછેર કેન્દ્ર) શરૂ કરવામાં આવી. સમયાંતરે વૃક્ષ સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો. જેમાં સરકારની સુધારેલી નિયમાવલી અનુસાર કેન્ડીડેટ પ્લસ ટ્રી (CPTs), ફળફળાદીની કલમો, ક્લોનર પ્લાન્ટ વિગેરેથી મેળવાયેલા વૃક્ષોના રોપાનું લોકોને નજીવા દરે વિતરણ કરવાનું શરૂ કરાયું છે. વૃક્ષોની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી વિભાગ દ્વારા ખેડૂત શિબિરનું પણ આયોજન કરાતું રહે છે. વિભાગ દ્વારા ખેડૂતોમાં નિઃશૂલ્ક વિતરણ માટે જરૂરી સાહિત્ય પણ પ્રકાશીત કરવામાં આવે છે. આ બધાં જ પગલાંને લીધે દર ચોમાસામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની વસાહતો, પડતર જમીનો તેમજ બિનઉત્પાદક જમીનોમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ થાય છે. વધુમાં ગામડામાં વ્યાજબી અંતરે લગાવવા અર્થે વિવિધ વર્ગોના સહભાગીઓ દ્વારા વિકેન્દ્રીત લોકોની નર્સરીઓ ખાતે રોપાઓને ઉપલબ્ધ બનાવવાનું સુનિશ્ચિત કરે છે.
ગુજરાતમાં વર્ષ 2004 પછી વનમહોત્સવની પરિભાષામાં સમૂળગું પરિવર્તન આવ્યું, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેટળ એવું નક્કી કરવામાં આવ્યું કે રાજ્યકક્ષાનો વનમહોત્સવ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જ આયોજીત કરવામાં આવે, દરેકે દરેક જિલ્લાકક્ષાએ વનમહોત્સવની અધ્યક્ષતા મંત્રીમંડળના મંત્રી અને તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાના વનમહોત્સવ મહાનુભાવોની અધ્યક્ષતામાં યોજવામાં આવે. રાજ્ય કક્ષાના વનમહોત્સવ માટેના સ્થળ તરીકે સામાન્ય રીતે ઐતિહાસિક સ્થળો, સાંસ્કૃતિ અને ધાર્મીક મહત્તા ધરાવતા સ્થળોની પસંદગીમાં કરવામાં આવે છે અને ત્યાર બાદ ત્યાં "સાંસ્કૃતિક વન”નું નિર્માણ કરવામાં આવે છે. વર્ષ 2004માં ગાંધીનગર (પુનિત વન) ખાતેથી તેની શરૂઆત કરવામાં આવી હતી અને વર્ષ 2014માં રાજકોટના શક્તિ વન (કાગવડ) યોજવામાં આવ્યો હતો.

સુધારેલી સ્મશાન ભૂમિ (ભઠ્ઠી)

પૂરાતન કાળથી ચાલતાં રીતિરીવાજ મુજબ મૃતદેહને સ્મશાન ભૂમિમાં અગ્નિદાહ આપવામાં આવે છે, અગ્નિદાહમાં દરેક વખતે અંદાજે 400 કિલો જલાઉ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. સુધારેલી સ્મશાન ભૂમિને લીધે જલાઉ લાકડાનો ઉપયોગ 35% સુધી ઘટી જાય છે. આ યોજના અંતર્ગત પંચાયત અને નગરપાલિકાઓ દ્વારા અગાઉથી વિભાગ પાસે માગણી કરાય તો તે પ્રમાણે સુધારેલી સ્મશાન ભઠ્ઠી નિઃશૂલ્ક પુરી પાડી તેનું ફીટીંગ કરી આપવામાં આવે છે. જેમાં પ્રાથમિકતા એવા સ્મશાનોને અપાય છે જ્યાં તૈયાર શેડ હોય. તેમ છતાં સ્મશાન ભઠ્ઠી સ્થાપ્યા પછી તેની સંપૂર્ણ જવાબદારી જે તે પંચાયત/નગરપાલિકાના શીરે રહે છે.

સ્પેશિયલ કોમ્પોનન્ટ પ્રોગ્રામ (Special Component Program)

કેન્દ્ર દ્વારા ચલાવાતો સ્પેશિયલ કોમ્પોનન્ટ પ્રોગ્રામ અંતર્ગત અનુસૂચિત જાતિને તેમની વસતીની આર્થિક અને નાણાકીય પરિભાષાના પ્રમાણમાં વિકાસના લાભો આપવામાં આવે છે.
આ વિભાગ દ્વારા લક્ષિત લાભાર્થીઓ સુધી નીચેના લાભો પુરાં પાડવામાં આવે છે.

એસસીપી-આરડીએફએલ (SCP-RDFL)

આ યોજના આરડીએફએલ (RDFL) યોજના જેવી જ છે જેમાં એવી પૂર્વશરત છે કે લાભાર્થીઓ અનુસૂચિત જાતિ સમાજના હોવા જોઇએ.

એસસીપી (SCP)-વિકેન્દ્રીત લોકોની નર્સરી

આ યોજના ડિસીપી (DCP) યોજના જેવી જ છે જેમાં એવી પૂર્વશરત છે કે લાભાર્થીઓ/લાભાર્થી જૂથ અનુસૂચિત જાતિ સમાજનું હોવું જોઇએ.

ફળાઉ રોપાની કલમોનું ટ્રીગાર્ડ સહિત વિતરણ

આ યોજના અનુસૂચિત જાતિ સમાજના એવા લોકો માટે છે જેઓને સરકારની ઈન્દિરા/સરદાર/આંબેડકર આવાસ યોજના અંતર્ગત રહેણાકની ફાળવણી કરવામાં આવી હોય. આ યોજના અંતર્ગત ફલાઉ રોપાની બે કલમો પુરી પાડવામાં આવે છે. સામાન્ય રીતે દરેક લાભાર્થીઓને નિઃશૂલ્ક ટ્રીગાર્ડ પણ આપવામાં આવે છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લાભાર્થીઓ યોગ્ય સમયમાં રોપાઓની વાવણી કરશે અને તેની યોગ્ય પ્રમાણમાં કાળજી પણ રાખશે.

એન્વાયરમેન્ટ (E) અને આશ્રમ શાળા (E-As) પ્લાન્ટેશન મોડેલ્સ

આ મોડેલ અંતર્ગત અનુસૂચિત જાતિનો સમુદાયની વધુ વસતી ધરાવતા વિસ્તાર અને એસસી વિદ્યાર્થીઓ રહેતા હોય એવી આશ્રમ શાળાઓ (નિવાસી શાળાઓ)માં વૃક્ષોનું વાવેતર હાથ ધરવામાં આવે છે. વૃક્ષારોપણ માત્ર પર્યાવરણને વધુ સારું જ નહીં બનાવે પરંતુ તેની સાથે સાથે આશ્રમ શાળાઓ માટે આવકનો સ્ત્રોત પણ બની રહે છે.

વન કુટિર

વનવિભાગની આ યોજનાનો મુખ્ય આશય વૃક્ષારોપણ અને પર્યાવરણ પરત્વે જાગૃતિ ફેલાવવાનો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જાગિત ફેલાવાનો. આ યોજના હેઠળ વિભાગ દ્વારા યોગ્ય માપદંડ પ્રમાણે આરસીસી છાવણી તૈયાર કરાય છે. આ બાંધકામ નોંધપાત્ર સંખ્યામાં લોકો એકઠા થતાં હોય તેવી જગ્યા જેવી કે ગામના ચોરે, બસ સ્ટેશન વિગેરે જાહેર સ્થળોએ બનાવાય છે. વન કુટિરમાં પર્યાવરણ, વન અને વૃક્ષારોપણ આધારીત વિવિધ પ્રકારના સૂત્રો અને સંદેશાઓ ચિતરવામાં કે મુકવામાં આવે છે. વન કુટિરોનો ઉપયોગ સામાજિક વનીકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ખેડૂત શિબિરના આયોજન અર્થે પણ કરવામાં આવે છે.

No comments:

Post a Comment

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...